મજરૂહ સુલતાનપુરી: ઉઠાયે - TopicsExpress



          

મજરૂહ સુલતાનપુરી: ઉઠાયે જા ઉન કે સિતમ મૅન ટુ મૅન - સૌરભ શાહ એક જમાનો હતો જ્યારે હિન્દી ફિલ્મોમાં ચોલી, ખટમલ, ખટિયા અને કબૂતર આવતાં હતાં. સારું થયું. સૌની આંખો ઊઘડી ગઈ. ફિલ્મી ગીતોનું તળિયું દેખાઈ ગયું. એ જ ગાળામાં જગજિત સિંહ, અનુપ જલોટા, પંકજ ઉધાસની ગઝલો માટે માર્ગ ખૂલી ગયો. ખડા હૈ ખડા હૈ અને સુબહ કો લેતી હૂં, શામ કો લેતી હૂં જેવાં ગીતોથી ત્રાસેલી ફિલ્મી દુનિયામાં નિર્દોષ, સાહિત્યિકતાભર્યાં ગીતોનો જમાનો પાછો આવ્યો. પુરવાઈ, ખ્વાબ, તસવીર અને શરબતી જેવા સોફ્ટ સોફ્ટ શબ્દોનું પુનરાગમન થયું. એમાંય વળી ક્યારેક અતિરેક થશે. ત્યારની વાત ત્યારે. ચોલી અને ખટિયાના અતિરેક કરતાં આવો અતિરેક સારો. ફિલ્મી ગીતોનો એનો પોતાનો એક અલગ માહોલ હોય છે. બજારની જરૂરિયાત અનુસાર એ માહોલ બદલાતો રહે છે. ‘કભી કિસી કો મુકમ્મલ (સંપૂર્ણ) જહાં નહીં મિલતાં; કહીં ઝમીં તો કહીં આસમાં નહીં મિલતા’ જેવી ફિલોસોફિકલ પંક્તિઓના રચયિતા નિદા ફાઝલીએ બજારની માગ મુજબ કોઈ વખત આવું ફરમાસું પણ લખી આપવું પડ્યું: ‘આપ જૈસા કોઈ મેરી જિંદગી મેં આયે તો બાત બન જાયે.’ એની સામે ‘તેઝાબ’ માટે ‘એક, દો, તીન, ચાર, પાંચ છે, સાત લખનારા જાવેદ અખ્તર પાસે નિતાંત સુંદર ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’ મળી રહે છે. ચોલી-ખટિયાના જમાનામાં મજરૂહ સુલતાનપુરીને દાદાસાહેબ ફાળકે એવૉર્ડથી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. મજરૂહ પ્રી-ચોલીખટિયા અને પોસ્ટ ચોલી-ખટિયાના પણ શાયર. સાહિર લુધિયાનવીથી માંડીને ગુલઝાર સુધીના અનેક આલા દરજ્જાના કવિઓએ હિન્દી ફિલ્મજગતને કવિતાનો સ્પર્શ કરાવ્યો છે. મજરૂહ મૂળ તો ગઝલકાર. ગીતો એમણે ફિલ્મસંગીતના તકાદાને કારણે લખ્યાં: અને આમ છતાં આ ગીતોમાં તેઓ સાહિત્યિક તત્ત્વને સાચવી શક્યા: ‘ઉઠાયે જા ઉન કે સિતમ ઔર જિયે જા/ યૂં હી મુસ્કુરાએ જા, આંસુ પિયે જા.’ આ ગીતના છેલ્લા અંતરામાં કવિ કહે છે: ‘સતાયે ઝમાના, સિતમ ઢાયે દુનિયા, મગર તૂ કિસી કી તમન્ના કિયે જા....’ કોઈ વખત તદ્દન હળવાશભરી શૈલીમાં મજરૂહે પતાની વાત કહી દીધી છે: ‘યે લો મૈં હારી પિયા, હુઈ તેરી જીત રે; કાહે કા ઝઘડા બાલમ, નઈ નઈ પ્રીત રે...’ તો કોઈક વખત શુદ્ધ આનંદનો વિસ્તાર પણ એમણે કર્યો છે: ‘ઝૂમ ઝૂમ કે નાચો આજ, ગાઓ આજ ગાઓ ખુશી કે ગીત, આજ કિસી કી હાર હુઈ હૈ, આજ કિસી કી જીત...’ ફિલ્મી ગીતોમાં પહેલી શરત શબ્દની સાદગીની હોય છે. બીજી તરફ શૈલીની સફાઈની. આ બંને શરતો નિભાવવાની સાથે ગીતમાં ક્યાંય બેઢંગી વાત ન પ્રવેશી જાય એનું ગીતકારે ધ્યાન રાખવાનું. આ શરતો સાચવીને જો કોઈ શાયર એમાં સાહિત્યિક તત્ત્વ ઉમેરી શકે તો રચના અમર બની જાય, મજરૂહના આ ગીતની જેમ જ: ‘હમ હૈં રાહી પ્યાર કે, હમ સે કુછ ન બોલિએ/ જો ભી પ્યાર સે મિલા, હમ ઉસી કે હો લિયે...’ મજરૂહ સુલતાનપુરીની એક જાણીતી ગઝલ ફિલ્મ (‘દસ્તક’)માં આવ્યા પછી વધુ લોકપ્રિય થઈ. સામાન્ય ભાવક માટે એના શબ્દો સમજવા સહેજ અઘરા હોવા છતાં મદનમોહનની તર્જે એને ખૂબ લોકપ્રિય બનાવી, માતાજીના અવાજમાં: ‘હમ હૈં મતાઅ-ઐ-કૂચા-ઓ-બાઝાર કી તરહ/ઉઠતી હૈ હર નિગાહ ખરીદાર કી તરહ... વો તો કહીં હૈ ઔર, મગર દિલ કે આસપાસ/ ફિરતી હૈ કોઈ શૈ નિગાહ-એ-માર કી તરહ/ ‘મજરૂહ’ લિખ રહે હૈં. વો અહલે - વફા કા નામ/ હમ ભી પડે હુએ હૈ ગુનહગાર કી તરહ...’ મતા અ-ઐ-કૂચા-ઓ-બાઝાર એટલે ગલીકૂંચીમાં વેચાતી વસ્તુઓ. નિગાહ-એ-પાર એટલે પ્રિયજનની નજર. અહલે-વફા એટલે વફાદારો. શાયર મજરૂહ સુલતાનપુરી પોતાની ફિલ્મી રચનાઓથી કંઈક વિશેષ છે. તેઓ હંમેશાં માનતા રહ્યા કે જીવનની વર્તમાન સમસ્યાઓને વ્યક્ત કરવા માટે ગઝલનું સ્વરૂપ ઊણું ઊતરે એમ નથી; એટલું જ નહીં કેટલીક વાતો એવી હોય છે જેની અભિવ્યક્તિ માટે કવિએ ગઝલનો જ સહારો લેવો પડે છે. અલી સરદાર જાફરીએ એક વખત મજરૂહની કવિતા વિશે કહ્યું હતું કે સામાજિક અને રાજકીય વિષયોને લઈને રચાયેલી કામિયાબ ગઝલો મજરૂહને અન્ય શાયરોની સરખામણીએ કંઈક વિશેષ ઊંચું સ્થાન બક્ષે છે. ઉત્તર પ્રદેશના નિઝામાબાદમાં ૧૯૧૯ની ૧ ઑક્ટોબરે જન્મ્યા અને ૮૦ વર્ષની ભવ્ય ઉંમરે ૨૪મે ૨૦૦૦ના દિવસે જન્નતશીન થયા. પોલીસ કૉન્સ્ટેબલ પિતાને ત્યાં જન્મેલા આ કવિ વીસેક વર્ષની ઉંમરે કવિતા લખતાં થયા. ૧૯૪૧માં જિગર મુરાદાબાદીએ આ યુવાન મજરૂહને એક મુશાયરામાં સાંભળ્યા. જિગર આ યુવાન શાયરની પ્રજ્ઞાથી અને વાણીથી પ્રભાવિત થયા. પછી તો અનેક મુશાયરાઓમાં જિગર પોતાની સાથે મજરૂહને પણ લઈ જતાં. ૧૯૪૫માં એક મુશાયરા માટે મજરૂહ મુંબઈ આવ્યા અને હિન્દી ફિલ્મોમાં ગીતો લખતા થયા એ બધી વાતો તમે અનેક વખત વાંચી ચૂક્યા હશો. મજરૂહની જે રચનાઓ સ્વયંસ્ફૂરિત છે, ફિલ્મો માટે ફરમાઈશથી નથી લખાઈ, એ રચનાઓની ઊંચાઈ સ્વાભાવિક રીતે જ ઘણી વધારે છે. દરેક વ્યક્તિને જીવવા માટે કોઈ ને કોઈ કારણની જરૂર પડતી હોય છે. કોઈની પાસે એક કરતાં વધારે કારણો હોય છે તો કોઈની પાસે એક જ. મજરૂહ કહે છે: બહાને ઔર ભી હોતેં જો ઝિન્દગી કે લિયે/હમ એક બાર તેરી આરઝૂ ખો દેતે... ગાલ પરની ગરમી અથવા તો ઉષ્માને ઉર્દૂમાં ગર્મી-એ-રુખ્સાર કહે છે. મજરૂહ સુલતાનપુરી વિરહમાં પણ આવેગ કેવી રીતે લાવે છે તે જુઓ: ઉન સે બિછડે હુએ ‘મજરૂહ’ ઝમાના ગુજરા/ અબભી હોંઠોં મેં વહી ગર્મી-એ-રુખ્સાર સહી... મજરૂહ સુુલતાનપુરીની એક નઝમની આ પંક્તિઓ પર્સનલ ફેવરિટ છે: વો અગર બાત ન પૂછે તો કરેં ક્યાં હમ ભી/ આપ હી રૂઠતે હૈં, આપ હી માન જાત હૈં... અહીં આપ એટલે ‘તમે’ના નહીં ‘ખુદ’ના અર્થમાં (અપને આપ), સમજ્યાં?
Posted on: Thu, 08 Jan 2015 07:35:19 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015